સ્વને વિકસાવતી સંસ્થાઓ
Agencies that shape the self
કુટુંબ (Family) :
સ્વના વિકાસ માટે અને સ્વના સર્જનાત્મક અને ક્રિયાત્મક ધ્યેયો પ્રાપ્ત કરવા માટે કેટલીક સામાજિક સંસ્થાઓ સ્થાપવામાં આવે છે સામાન્યપણે સંસ્થા (Institution કે Agency) અને મંડળ (Association) પર્યાય અર્થમાં વપરાય છે પરંતુ સમાજલક્ષી તત્ત્વજ્ઞાનના સંદર્ભમાં વિશિષ્ટ અર્થમાં વપરાય છે. કુટુંબને સંસ્થા અને મંડળ એમ બંને અર્થમાં જોવામાં આવે છે. કુટુંબ શબ્દ માટે વપરાતો અંગ્રેજી શબ્દ (Family) નો ઇતિહાસ રસપ્રદ છે. "ફેમ્યુલસ" શબ્દ રોમન શબ્દ છે. તેનો અર્થ થાય છે કે ફેમ્યુલસ 'નામની રોમન વ્યક્તિ ગુલામ હતી અને ફેમિલિયા' શબ્દ ગૃહસ્થ ઘરમાં રાખેલા ગુલામોનો સમૂહ એવો નિર્દેશ કરે છે. ધીમે - ધીમે કુટુંબ શબ્દની પરિભાષામાં ગુલામો નહીં, પરંતુ ઘરમાં નિયમિત રીતે વસતી તમામ વ્યક્તિઓનો સમાવેશ થયો. વ્યક્તિના સ્વને વિકસાવવામાં કુટુંબ શું ભાગ ભજવે છે, તે સમજીએ.
સ્વ વિકાસમાં કુટુંબનો ફાળો :
કુટુંબને એજન્સી ગણીએ તો સ્વના સામાજિકીકરણના એજન્ટ તરીકે કુટુંબનો ફાળો ખૂબ મહત્ત્વનો છે. કુટુંબ એ વ્યક્તિગત સ્વ માટેનો પ્રથમ સમાજ અને સામાજિક વાતાવરણ છે. સ્વના સામાજિકીકરણનો પહેલો પાઠ કુટુંબમાં શરૂ થાય છે. સ્વની ટેવ, ગમા-અણગમાં, વલણો અને તેના વ્યક્તિત્ત્વની બીજી અનેક લાક્ષણિકતાઓનો પાયો કુટુંબમાં નખાય છે.
સ્વની ભાવિ ભૂમિકાઓનો ઘણો આધાર તેના બાલ્યકાળના સામાજિકીકરણ ઉપર રહેલો હોય છે. માતા-પિતાની હૂંફ અને પ્રેમ સ્વનો ભાવાત્મક વિકાસ કરે છે. સ્વના વ્યક્તિત્વ ઘડતરમાં માતા-પિતા અને કુટુંબના અન્ય સભ્યોનો પણ ફાળો હોય છે. કુટુંબના સભ્યો સાથેની આંતરક્રિયાના કારણે સમાજ અને સંસ્કૃતિના પરિચયમાં આવતા વ્યક્તિગત સ્વ સામાજિક-સાંસ્કૃતિક માળખામાં બંધબેસતા થવાનું શીખે છે. સ્વનું વર્તન, વાતચીત કરવાની રીત-ઢબ, વ્યવસાયની પસંદગી વગેરે કુટુંબ આધારિત હોય છે. કુટુંબ દ્વારા સમાજના લોકાચાર, પરંપરા, રૂઢિ, રિવાજ વગેરેનું જ્ઞાન મળે છે.
કુટુંબની રચના સ્વના જૈવિક સામાજિક સર્જન માટે બહુ મહત્ત્વની છે. કુટુંબના સભ્યોનું સંગઠન પરસ્પરના પ્રેમ પર આધાર રાખે છે. જો કુટુંબના સભ્યો પોતાની જવાબદારી સમજે અને જવાબદારીમાં ભાગીદાર થવા તૈયાર થાય તો કુટુંબ પ્રગતિ સાધે છે. કુટુંબની પ્રગતિ સ્વને વિકસાવે છે. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ, કુટુંબ સ્વની સંવેગાત્મક જરૂરિયાતો સંતોષે છે. તાત્ત્વિક દૃષ્ટિએ, કુટુંબ સ્વના નૈતિક આદર્શો વિકસાવે છે અને માનસિક સ્તર ઊંચું કરે છે. કુટુંબના સભ્યો જેમ જેમ સંવેગાત્મક, બૌદ્ધિક અને નૈતિક દૃષ્ટિએ પરિપકવ બને છે તેમ તેમ પરસ્પર સદ્ભાવના અને સંયુક્ત જવાબદારીના સગુણો પ્રાપ્ત કરતા થાય છે. સ્વના વલણોનું નિર્માણ અને ઘડતર કરવામાં કુટુંબનો મોટો ફાળો છે.
શાળા (school) :
શિક્ષણ માનવજીવન અને સ્વના વિવિધ પાસાંઓને પ્રભાવિત કરે છે. શિક્ષણને ઔપચારિક અને અનૌપચારિક એમ બે અર્થમાં લઈએ તો અનૌપચારિક શિક્ષણ કુટુંબમાં જન્મથી શરૂ થાય છે અને મૃત્યુ સુધી ચાલુ રહે છે જ્યારે ઔપચારિક શિક્ષણ, શિક્ષણ સંસ્થા જેને આપણે શાળા કૉલેજ કહીએ છીએ તેમાં શરૂ થાય છે. શિક્ષણ એવી પ્રક્રિયા છે જે આજીવન ચાલુ રહે છે. તેના દ્વારા માનવસમાજમાં વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના આંતરપરસ્પરના સંબંધો અને તાત્ત્વિક દૃષ્ટિએ બ્રહ્માંડ સાથેના સંબંધોને સમજવાનો પ્રયત્ન કરે છે પ્લેટોના મતે એ વ્યક્તિ સમાજમાં ઉચ્ચ સ્થાને પહોંચે છે જેનો સ્વ શિક્ષણ દ્વારા ઘડાયેલો હોય.
સ્વના વિકાસમાં શાળાનો ફાળો :
શાળા-કૉલેજમાં ઔપચારિક શિક્ષણ આપવામાં આવે છે. તેની મર્યાદાઓ પણ છે, છતાં વ્યક્તિને વ્યક્તિગત શિક્ષણ આપવા કરતાં શિક્ષણ સંસ્થામાં જૂથ પરિસ્થિતિમાં અપાયેલું શિક્ષણ વધુ ઉપયોગી નીવડે છે. કારણ કે જૂથ પરિસ્થિતિમાં બીજાં બાળકો સાથેની પરસ્પરની આંતરક્રિયાઓને લીધે અને અન્યની હાજરીના લીધે બાળક શિક્ષણ મેળવવા વધુ પ્રોત્સાહિત બને છે. શાળાનું મૂળભૂત કાર્ય પ્રફુલ્લનનું છે. જીવન માટે સ્વને દીક્ષા આપવાનું કાર્ય શિક્ષણ સંસ્થાઓનું છે. માનવીય અસ્તિત્વ એટલે કે સ્વ બહુ જટિલ છે. તેની બધી પાંદડીઓ ખૂલે અને ખીલે એવી પરિસ્થિતિનું નિર્માણ શાળામાં થાય એ જરૂરી છે.
અમેરિકાના શિક્ષણશાસ્ત્રી જ્હોન બૂબેકર કહે છે “Learning is unfolding of what has been originally enfolded” એટલે કે જે ગડીબંધ છે તેની ગડી ખુલ્લી કરવી. જો શાળામાં શિક્ષણ દ્વારા આવા ઉઘાડ (Unfolding) ની ક્રિયા થાય તો સ્વનો અપ્રતિમ વિકાસ થઈ શકે. સ્વની શ્રેષ્ઠતમ ઉપલબ્ધિ શિક્ષણ દ્વારા પામવા માટે શાળા કે શૈક્ષણિક સંસ્થા માધ્યમ છે. શિક્ષણ સંસ્થા એટલે પારમિતાની ઉપાસના (Pursuit of Excellence) જયાં સ્વ ગુણ કે જ્ઞાનની પ્રાપ્તિના કારણે બ્રહ્માંડના રહસ્યોનો પાર પામી વિકાસોન્મુખ થાય.
શાળા સ્વના ચારિત્ર્યના ઘડતરમાં, વના વિકાસમાં, તેનાં મંતવ્યો અને મનોવલણના ઘડતરમાં મહત્ત્વનો ફાળો આપે છે. સ્વને મુક્ત રીતે વિચારણા માટેની પ્રેરણા શૈક્ષણિક સંસ્થાઓ આપે છે. સ્વની કેટલીક માનસિક ટેવોનું ઘડતર શું સારું કે શું ખરાબ, જેનો નીર-ક્ષીર વિવેક શિક્ષણની સંસ્થાઓ લાવી શકે છે. પ્રાચીન કાળમાં નાલંદા, તક્ષશિલા અને વલભી જેવી શિક્ષણ સંસ્થાઓની સ્વના વિકાસ ઉપર કેટલી અસર હતી, તે કોઈને સમજાવવાની જરૂર નથી.
સાંપ્રત સમયમાં એવી શિક્ષણ સંસ્થા નથી, પરંતુ શાળા - કૉલેજમાં જે કંઈ શિક્ષણ આપવામાં આવે છે અને શિક્ષણ દ્વારા જે કંઈ સિદ્ધ કરવામાં આવે છે, તેમાંની કેટલીક બાબતો સ્વના વિકાસ માટે ખૂબ જરૂરી છે. દા.ત., વાંચવુ, લખવું, ગણનક્રિયાઓ, દાકતરી વિદ્યા, કાયદાનું જ્ઞાન ઇજનેરી વિદ્યા વગેરે સ્વના વિકાસ માટે આવશ્યક છે, કેમ કે તેના દ્વારા સમાજનો વિકાસ થાય છે. કલા, સાહિત્ય વગેરેના શિક્ષણ દ્વારા વ્યક્તિનો સ્વ સંવેદનશીલ બને છે, જે વૈશ્વિક સંવાદિતા માટે જરૂરી છે.
શાળા દ્વારા શીખવવામાં આવતી શિસ્ત સ્વને અનુશાસિત બનાવે છે. લાદેલી શિસ્ત સ્વને વિદ્રોહી બનાવે છે, પરંતુ જો શાળા દ્વારા આંતરિક કે સ્વયં શિસ્તના પાઠ ભણાવવામાં આવે તો તે સ્વને સ્વયં અનુશાસિત કરવામાં મદદરૂપ થાય છે. ટાગોર દ્વારા સ્થાપવામાં આવેલી શાંતિનિકેતન અને વિશ્વભારતી જેવી શૈક્ષણિક સંસ્થાઓ, જે. કૃષ્ણમૂર્તિના વિચારો પર આધારિત ઋષિવેલી જેવી સંસ્થાઓ, શ્રી અરવિંદના વિચારો આધારિત પંડચેરીની શિક્ષણ સંસ્થા તેમ જ કેળવણીનું બાઈબલ ગણાયેલી ઓ-નીલ દ્વારા સ્થપાયેલી સમરહીલ જેવી શાળાઓ તેમ જ ગિજુભાઈ બધેકા તથા નાનાભાઈ ભટ્ટ દ્વારા પ્રેરિત શિક્ષણ સંસ્થા સ્વના વિકાસ માટે કેટલી ઉપયોગી છે, તે સ્વતઃ સમજી શકાય છે.
સમુદાય (Community) :
સ્વને વિકસાવતી સંસ્થા તરીકે સમુદાયને સમજતા પહેલાં સમાજ અને સમુદાય વચ્ચેના ભેદને સમજવાની જરૂર છે. સમાજ એ સતત પરિવર્તન પામતી જટિલ વ્યવસ્થા છે. મકાઇવર અને પેઇજના મતે, સમાજ રિવાજો અને વર્તનની પ્રણાલિકાઓ, સત્તાઓ અને પારસ્પરિક મદદ, અનેક જૂથોના સ્વાતંત્ર્ય અને નિયંત્રણની વ્યવસ્થા છે. સમાજ એ સામાજિક સંબંધોની જાળ (Web) છે, અને તે હંમેશા પરિવર્તન પામતી રહે છે. સમાજ સામાજિક સંબંધોનો ગુચ્છ છે.
સમાજ અને સમુદાય (Community) વચ્ચે ભેદ પાડતાં મકાઇવર અને પેઇજ કહે છે :
- કોઈપણ નાનું કે મોટું જૂથ એક જ સ્થાનમાં એવી રીતે સમૂહજીવન જીવતું હોય કે તે માત્ર વિશિષ્ટ હિત સંતોષવા નહિ, પરંતુ સર્વસાધારણ જીવનમાં વિવિધ હિતો સંતોષવાની ઇચ્છા સેવે ત્યારે તેવા સ્થાનિક સમૂહને સમુદાય (Community) કહેવાય. સમુદાય એક પ્રાદેશિક જૂથ છે અને સામુદાયિક ભાવના તેનું લક્ષણ છે સમાજ અને સામાજિક સંબંધો અમૂર્ત છે, પરંતુ સમુદાય મૂર્ત છે દા.ત., ગામડું, શહેર વગેરેને આપણે જોઈ શકીએ છીએ, પરંતુ સમાજને ન જોઈ શકીએ. સમુદાય કરતાં સમાજનું ક્ષેત્ર વિશાળ છે. સમાજમાં અનેક સમુદાયો સમાયેલા હોય છે.
- સ્વના વિકાસમાં સમુદાયનું પ્રદાન : સમુદાય નિશ્ચિત પ્રાદેશિક જૂથ હોવાથી તેમાં વ્યક્તિના મોટા ભાગના હિતો સંતોષાય છે. સમુદાયમાં વ્યક્તિનું મોટા ભાગનું જીવન આવરી લેવામાં આવતું હોવાથી સ્વનો વિકાસ થઈ શકે છે.
- સમુદાયમાં વ્યક્તિ પોતાના ભૌગોલિક પ્રદેશ સાથે જીવન વણી લે છે. આથી સ્વની સામુદાયિક ભાવનાનો વિકાસ થાય છે દા.ત., ગુજરાતમાં વસતો વ્યક્તિ ગુજરાતી અસ્મિતાને સ્વ બનાવે છે.
- પોતાની સંસ્કૃતિ પ્રત્યે માન ઉપજવાથી સાંસ્કૃતિક સ્વ ઘડાય છે.
- સમુદાયના સભ્યો વચ્ચે એકાત્મકતા વધે છે, આથી સ્વસન્માનની ભાવનાનો વિકાસ થાય છે.
- સમુદાયમાં થતી ધાર્મિક, કૌટુંબિક, આર્થિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી સ્વનો વિકાસ થાય છે . દા.ત., ગુજરાત રાજયમાં વસતા લોકો પોતાની અસ્મિતાને માન આપે છે, ધાર્મિક તહેવારો
- ઊજવે છે અને અન્ય સમુદાય કરતાં ચડિયાતાપણાની લાગણી અનુભવે છે. આવું દરેક સમુદાયમાં હોય છે.
- સમુદાય પરાવલંબી હોવાથી તેમાં વસતા લોકોનો સ્વ એકબીજા પર આધારિત હોવાની લાગણી અનુભવે છે.
- સમુદાયનો દરેક સભ્ય સમુદાય સાથે તાદાભ્ય અનુભવે છે એટલે સ્વ સામુદાયિક ભાવનાની અભિવ્યક્તિ કરી સ્વ સન્માનનો વિકાસ કરે છે.
- સમુદાય કાર્યરીતિઓ અને પ્રથાઓ સર્જે છે, પરિણામે સ્વ પ્રવૃત્તિશીલ થઈને તે કાર્યરીતિ અને પ્રથાઓનું સંવર્ધન અને સંક્રમણ કરે છે.
- સમુદાય મહત્ત્વના પ્રસંગોને યાદ રાખવા અને તેમનું ગૌરવ જાળવવા સામુદાયિક ઉત્સવ પ્રણાલિકાઓ સર્જે છે. સમુદાય ૨મત ગમત, રસોત્સવ વગેરે દ્વારા પોતાનો આનંદ વ્યક્ત કરે છે. દા.ત., ગુજરાતમાં નવરાત્રિ, દિવાળી, ઉત્તરાયણ જેવા તહેવારો ઊજવાય છે, જેના કારણે સ્વનો આનંદ વધે છે, તણાવ વ્યવસ્થાપન પણ થાય છે અને સ્વની વૃત્તિઓનું ઊર્ધીકરણ થાય છે.
- કેટલીક સમુદાયની પ્રથાઓ જેવી કે નાટક-સિનેમા જોવા, પ્રવાસ પર્યટન કરવા વગેરે દ્વારા સ્વ આનંદિત થાય છે અને સ્વનો હકારાત્મક વિકાસ થાય છે.
- સમુદાય તેના મૂળ સ્વરૂપમાં સંયુક્ત કુટુંબમાંથી જ વિકાસ પામેલી નૈસર્ગિક સંસ્થા છે.
- સમુદાય તેના સભ્યોની સંઘવૃત્તિ અને હેતુઓ સંતોષે છે, જેનાથી સ્વ વિકસે છે.
- સમુદાય તેના સભ્યોમાં સમુદાય સ્થિરભાવ અને જૂથને લગતી જવાબદારી વિકસાવે છે, પરિણામે સામુદાયિક સ્વ જવાબદાર બને છે.
- સમુદાય સભ્યોમાં પરાર્થની ભાવના વિકસાવે છે, પરિણામે સ્વ પરોપકારી બને છે.
- સમુદાય સમાજમાં રચનાત્મક કાર્યના ક્ષેત્રને વિકસાવે છે, પરિણામે સ્વ રચનાત્મક બને છે.
- સમુદાયમાં શરૂઆતમાં આદિમાનવીનો સ્થિર ભાવ હોય છે. જેમ જેમ સામાજિક પ્રગતિ થાય તેમ તે સ્થિર ભાવ સંસ્કારી બને છે તેથી સ્વમાં ક્રમશઃ સંસ્કારનું સિંચન થવાથી તેનો વિકાસ થાય છે.
- જેમ જેમ સમુદાય સુસંસ્કૃત અને સંસ્કારી બને છે તેમ સ્વની સામુદાયિક લાગણીઓ પરિવર્તન પામે છે, બિનટીકાસ્પદ અને વ્યક્તિલક્ષી સામુદાયિક લાગણીઓ વ્યવસ્થિત, વસ્તુલક્ષી અને વૈજ્ઞાનિક સ્વરૂપ ધારણ કરે છે.